Furvlenn hwilans

માથ્થી 1

1ઈસુ ખ્રિસ્ત જે દાઉદના દીકરા, જે ઇબ્રાહિમના દીકરા, તેમની વંશાવળી. 2ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા; 3યહૂદા તથા તામાર પેરેસ તથા ઝેરાનાં માતાપિતા હતાં, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા. 4આરામ અમીનાદાબનો પિતા, અમીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા; 5સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા; બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા; ઓબેદ યિશાઈનો પિતા; 6યિશાઈ દાઉદ જે રાજા હતો તેનો પિતા. દાઉદ સુલેમાન (કે જેની મા ઉરિયાની પત્ની હતી તે)નો પિતા; 7અને સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા; 8આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા; 9ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા; 10હિઝકિયા મનાશ્શાનો પિતા; મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા; 11બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા. 12અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા; 13ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા; 14આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા; 15અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા; 16અને યાકૂબ યૂસફ જે મરિયમનો પતિ હતો તેનો પિતા; એ [મરિયમ]થી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યા. 17માટે ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, બાબિલના બંદીવાસથી ખ્રિસ્ત[ના સમય] સુધી ચૌદ પેઢી થઈ. 18ઈસુ ખ્રિસ્તના જન્મની વાત આ પ્રમાણે: એટલે ઈસુની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી મરિયમ સગર્ભા થયેલી જણાઈ. 19તેનો પતિ યૂસફ નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતાં, તેને ગુપ્ત રીતે મૂકી દેવાનો વિચાર કર્યો. 20જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે, "ઓ યૂસફ, દાઊદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે. 21તેને દીકરો થશે, તું તેમનું નામ ઈસુ પાડશે; કેમ કે જે પોતાના લોકોનો તેઓનાં પાપથી ઉધ્ધાર કરશે, તે એ જ છે." 22હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધકદ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય એટલે, 23"જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે." 24ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. તે પોતાની પત્નીને તેડી લાવ્યો. 25મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે મિલાપ કર્યો નહિ; અને તેણે દીકરાનું નામ ઈસુ પાડ્યું.

ગુજરાતી બાઇબલ

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.

More Info | Version Index